ઇઝરાયલે રિપોર્ટને ગણાવ્યો ભેદભાવયુક્તઃ જસ્ટિસ મુરલીધરે શું જવાબ આપ્યો?

ઇમેજ સ્રોત, UNHRC
"ઘણા લોકો સવાલ કરે છે કે, તમે અહેવાલ તૈયાર કરતી વખતે ઇઝરાયલના સૈનિકો સાથે શા માટે વાત ન કરી? ઇઝરાયલી સૈનિકો માત્ર અમારી સમક્ષ નહીં, બલ્કે સમગ્ર વિશ્વ સમક્ષ બોલ્યા છે. તેમણે પોતે જ બાળકને મારી નાખીને તે બદલ ગર્વ અનુભવતો વિડિયો બનાવ્યો હતો."
આ શબ્દો છે, પ્રખ્યાત ભારતીય જ્યુરિસ્ટ અને ઓડિશા હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ એસ. મુરલીધરના, જેમણે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (યુએનએચઆરસી)ના સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ પંચના અધ્યક્ષ તરીકે ગાઝામાં ઇઝરાયલી લશ્કરી કાર્યવાહી અંગે એક સીમાચિહ્નરૂપ અહેવાલ રજૂ કર્યો હતો.
અહેવાલમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ઇઝરાયલે ઇરાદાપૂર્વક અને આયોજનબદ્ધ રીતે ગાઝાનાં પેલેસ્ટિનિયન બાળકોને નિશાન બનાવ્યાં છે.
પંચે તારવ્યું હતું કે, આ હુમલાઓ પાછળનો આશય ગાઝામાં પેલેસ્ટિનિયન જૂથોના ભવિષ્ય અને અસ્તિત્વને નેસ્તનાબૂદ કરી દેવાનો હતો. જોકે, ઇઝરાયલે આ અહેવાલને ફગાવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ મુરલીધર ચાર દાયકાની કારકિર્દી બાદ ઓડિશા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પદેથી નિવૃત્ત થયા હતા. એ પછી તેમણે વકીલ તરીકેની તેમની પ્રેક્ટિસ ફરી શરૂ કરી હતી.
સુપ્રીમ કોર્ટે તેમને સિનિયર ઍડ્વોકેટ તરીકે નિયુક્ત કર્યા છે.
હ્યુમન રાઇટ્સ કાઉન્સિલે ગત વર્ષના નવેમ્બર માસમાં તેમને સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ પંચ (ઇન્ડિપેન્ડન્ટ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિગેશન કમિશન)ના વડા નિમ્યા હતા.
આ તપાસનો અહેવાલ પૂર્વ જેરૂસલેમ સહિતના કબજા હેઠળના પેલેસ્ટિનિયન વિસ્તારો અને ઇઝરાયલ વિશે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતે અહેવાલને લગતા વિવિધ મુદ્દા અને તેનાં જુદાં-જુદાં પાસાં વિશે જસ્ટિસ મુરલીધર સાથે વિગતે વાત કરી હતી.
તેઓ જણાવે છે કે, પેલેસ્ટાઇનનાં બાળકોને એવું ન લાગવું જોઈએ કે, તેઓ જ્યારે યાતના ભોગવી રહ્યાં હતાં, ત્યારે સમગ્ર વિશ્વ નિદ્રાધીન હતું.
ઇઝરાયલ સામે શું પુરાવા છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જસ્ટિસ એસ. મુરલીધરનું માનવું છે કે, ઇઝરાયલ પેલેસ્ટાઇનનાં સંગઠનોનો ખાતમો બોલાવવાની રણનીતિ ધરાવે છે. તેઓ કહે છે કે, ઇઝરાયલી અટકાયત-કેન્દ્રોમાં પેલેસ્ટાઇનનાં બાળકો વિરુદ્ધ આચરવામાં આવતી જાતીય હિંસા એ સરકાર દ્વારા કરવામાં આવેલો આયોજનબદ્ધ હુમલો છે.
બીબીસી સંવાદદાતાએ પૂછ્યું હતું કે, શું આમ થયાનો કોઈ પુરાવો હતો અથવા તો શું તેમણે ઇઝરાયલ પાસે તેની વિગતો માગી હતી?
ત્યાર જસ્ટિસ મુરલીધરે જવાબ આપ્યો હતો, "બિલકુલ, બિલકુલ. હું ફરી-ફરીને એ કહેવા માગું છું કે, સમગ્ર અહેવાલ ડ્રાફ્ટના સ્વરૂપમાં ઇઝરાયલને મોકલવામાં આવ્યો હતો. અમે તેમને કહ્યું હતું કે, અમે ગાઝા જવા માગીએ છીએ. અમે કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશમાં જવા માગીએ છીએ, પણ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં."
તેઓ કહે છે કે, જો ઇઝરાયલી અધિકારીઓ પાસે એવો કોઈ પુરાવો હોય, જે અમને મળેલી વિગતોનું ખંડન કરતો હોય, તો તેઓ તે રજૂ કરી શકે છે.
તેમનો તાજેતરનો અહેવાલ "પેલેસ્ટાઇનનાં બાળકો વિરુદ્ધ આચરવામાં આવતી હિંસા અને અપરાધોની તપાસ કરે છે."
આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત સાતમી ઑક્ટોબર, 2023ના રોજ હમાસે ઇઝરાયલ ઉપર મિસાઇલ હુમલા શરૂ કર્યા, તેની સાથે થઈ હતી. આ હુમલામાં 1,200 લોકો માર્યા ગયા હતા અને 250 કરતાં વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.
વળતી પ્રતિક્રિયારૂપે, ઇઝરાયલે હમાસ સામે લશ્કરી અભિયાન આરંભી દીધું હતું.
હમાસના નિયંત્રણ હેઠળના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઇઝરાયલના હુમલામાં 73,000થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે અને તેમાં 21,000 બાળકોનો સમાવેશ થાય છે.
સંયુક્ત રાષ્ટ્ર પણ હમાસના આ આંકડાને વિશ્વસનીય માને છે.
બાળકોને લગતો આંતરરાષ્ટ્રીય કાયદો શું છે?
ઇઝરાયલના હવાઈ હુમલાને પગલે મોતને ભેટેલાં પેલેસ્ટિનિયન બાળકોની તસવીરો અવાર-નવાર સપાટી પર આવી છે. વધુમાં, ગાઝા શહેરમાં વેરાયેલા વિનાશ અને કાટમાળના ખડકલા પરથી જાણી શકાય છે કે, ગાઝાનો નકશો બદલાઈ ગયો છે.
જસ્ટિસ મુરલીધર કહે છે, "બાળકોના રક્ષણ માટે ત્રણ વ્યાપક કાયદા છે. તે પૈકીનો એક કાયદો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદો (ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ લો) છે. તેમાં માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણા (યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ) તથા બાળ અધિકારોનું રક્ષણ કરતી અન્ય સંધિઓ અને પ્રણાલીઓનો સમાવેશ થાય છે."
"બીજો છે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો, જેમાં જિનીવા કન્વેન્શનનો સમાવેશ થાય છે. તે સંબંધિત દેશોએ યુદ્ધ દરમિયાન કેવી વર્તણૂંક કરવી જોઈએ, તે વિશે છે. જેમ કે, જો કોઈ શ્વેત ધ્વજ બતાવે, તો તેના પર ગોળી ચલાવવામાં આવશે નહીં."
આ ઉપરાંત તેમાં ઍમ્બ્યુલન્સ પર હુમલો ન કરવાનો પણ સમાવેશ થાય છે.
તેઓ કહે છે, "આ તમામ નિયમો માનવતાવાદી કાયદા હેઠળ આવે છે અને તે કબજો કરનારા પક્ષની જવાબદારી સમજાવે છે."
જસ્ટિસ મુરલીધર આગળ કહે છે, "આ મામલે ત્રીજો કાયદો છે - આંતરરાષ્ટ્રીય ફોજદારી કાયદો (ઇન્ટરનેશનલ ક્રિમિનલ લો). આ ત્રણેય કાયદા સ્પષ્ટપણે જણાવે છે કે, બાળકો વિશેષ દરજ્જો ધરાવે છે. બાળકો કાયદેસરનાં ટાર્ગેટ નથી."
અહેવાલનો આધાર શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ જસ્ટિસ મુરલીધરને પૂછ્યું હતું કે, શું પંચે આ અહેવાલ તૈયાર કરવા માટે કોઈ ખાસ પ્રકારની પદ્ધતિ અપનાવી હતી?
તે માટે કેટલા સાક્ષીઓના ઇન્ટરવ્યૂ લેવાયા હતા? અને તેઓ સ્વયં ગાઝા જઈ શક્યા નહોતા, તો તે સાક્ષીઓ કોણ હતા?
જસ્ટિસ મુરલીધરે કહ્યું હતું, "હા, તમારો સવાલ વાજબી છે, પણ પંચ એક તપાસકર્તા સંસ્થા છે, તે ન્યાયિક સંસ્થા નથી. તે નિર્ણયો નથી લેતું... અને કોઈ પણ ઘટનાની હંમેશાં બે બાજુઓ હોય છે. એક પીડિત હોય છે અને બીજો હુમલાખોર હોય છે. અમે આ માટે ઘણા મુક્ત સ્રોતો (ઓપન સોર્સિસ)નો આધાર લીધો છે."
"અમે પીડિતો, નજરે જોનારા સાક્ષીઓ, બાળકો અને મેડિકલ સારવાર માટે ગાઝા છોડીને બહાર નીકળી શકેલા લોકોનાં વ્યક્તિગત નિવેદનો, ફોરેન્સિક પુરાવા, ઇલેક્ટ્રોનિક પુરાવા તથા પત્રકારોની જુબાની એકઠી કરી છે," એમ તેમણે કહ્યું હતું.
જસ્ટિસ મુરલીધર કહે છે કે, ગાઝાના લોકોની સારવાર કરનારા ડૉક્ટરોએ ત્યાં જે જોયું, તેને પણ અહેવાલનો આધાર બનાવવામાં આવ્યો છે.
જસ્ટિસ મુરલીધર કહે છે, "અમે માત્ર એક જ સ્રોત પર આધાર રાખી શકીએ નહીં. અમે અમારી પ્રક્રિયાની વિગતો અહેવાલના આઠમા અને દસમા ફકરામાં આપી છે. અમે સમાન માહિતીની બહુવિધ રીતે ખરાઈ કરી હતી."
તેઓ વધુમાં કહે છે, "દરેક બનાવનો એક ઘટનાક્રમ હોય છે. તેનું ભૌગોલિક લૉકેશન હોય છે તેમજ સેટેલાઇટ તસવીરો પણ હોય છે. તેના પરથી અમે ઘટના સ્થળ નક્કી કરીએ છીએ. આ માટે, ઇઝરાયલી સૈનિકોનું લૉકેશન પણ ધ્યાન પર લેવાયું હતું, જેથી જાણી શકાય કે, ઘટના ઘટી, તે સમયે તેમની હાજરી ત્યાં શક્ય હતી કે નહીં."
"અમારી ટીમમાં શસ્ત્રો, યુદ્ધનાં ઉપકરણો અને લશ્કરી આયોજનનો અભ્યાસ કરનારા એક લશ્કરી વિશ્લેષકનો પણ સમાવેશ થાય છે. આ પંચમાં જાતિગત નિષ્ણાતો અને ફોરેન્સિક સાયબર ક્રાઇમ નિષ્ણાતો સહિતના 12 લોકો સામેલ છે."
તેમણે સમજાવ્યું હતું કે, ઘણા લોકો પંચે વીડિયો, ઑડિયો ક્લિપ્સ કે ફોટોગ્રાફ્સ મોકલે છે. પંચ તે પછી ભરોસાપાત્ર અને ખરાઈ કરી શકાય, એવા પુરાવા જ ધ્યાન પર લે છે.
"તેમ છતાં તમે કહી શકો કે, અમે ઇઝરાયલની સરકાર સાથે, ઇઝરાયલના લશ્કર કે ઇઝરાયલના લોકો સાથે વાત કરી નથી. આથી, મારો જવાબ એ છે કે, જ્યારે પણ અમે રિપોર્ટનો ડ્રાફ્ટ તૈયાર કરીએ, ત્યારે અમે તે આગોતરો જ ઇઝરાયલની સરકારને મોકલી આપીએ છીએ."
જસ્ટિસ મુરલીધરના જણાવ્યા મુજબ, "ડ્રાફ્ટ નક્કી કરતાં પહેલાં તેઓ કહી શક્યા હોત કે, 'અમે આ ખોટું કહ્યું છે અથવા તો અમારે તેને લગતા અન્ય પુરાવા જોવાની જરૂર છે.' પણ તેમણે જવાબ જ નહોતો આપ્યો."
'ઇઝરાયલી સૈન્યએ સ્વયં જ દરેકને જણાવ્યું કે, તેમણે શું કર્યું હતું'

ઇમેજ સ્રોત, Getty Images
જસ્ટિસ મુરલીધરે જણાવ્યું હતું, કે તેમણે ડ્રાફ્ટ પેલેસ્ટિનિયન સત્તાધિકારીઓને પણ મોકલ્યો હતો અને તેમની ટિપ્પણીઓ પછી તેમણે અહેવાલમાં કેટલાક સુધારા કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું, "તે સિવાય, જ્યારે અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે પંચના ચૅરમૅન તરીકે મેં સ્વયં ઇઝરાયલની ઑથોરિટીને નોંધ મોકલીને જણાવ્યું હતું કે, અમે તમને મળવા માગીએ છીએ, તમારા લોકોને મળવા માગીએ છીએ અને ગાઝા જવા માગીએ છીએ, તેમ છતાં તેમણે કોઈ જવાબ ન આપ્યો."
તેઓ કહે છે, "ઇઝરાયલના સૈનિકો તેમના પોતાના જ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. એક સૈનિકે કહ્યું હતું કે, તેણે 16 વર્ષના છોકરાને મારી નાખ્યો હતો. વીડિયોમાં તે સ્વયં તેની કબૂલાત કરે છે અને લોકો તે જોઈ શકે છે."
"ઘણા લોકો કહે છે કે, અમે ઇઝરાયલની સેના સાથે વાત ન કરી. ઇઝરાયલી સેનાએ આખી દુનિયા સાથે વાત કરી, એક બાળકને મારી નાખવા પર ગર્વ અનુભવ્યો."
અહેવાલમાં ઇઝરાયલના ડેપ્યુટી સ્પીકર નિસિમ વતુરીનો ઉલ્લેખ છે, જેમણે સાતમી ઑક્ટોબરની ઘટના પછી નવમી ઑક્ટોબરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
જસ્ટિસ મુરલીધર કહે છે, "તેમણે (વતુરીએ) પોસ્ટમાં લખ્યું હતું કે, ગાઝાનો ખાતમો બોલાવી દો, તેનાથી ઘટતું કશું જ અમને સંતોષ નહીં આપે, ત્યાં એક નાનું અમથું બાળક પણ બચવું ન જોઈએ. બાકી બચેલા તમામને હાંકી કાઢો, જેથી તેઓ ફરી ક્યારેય માથું ન ઊંચકી શકે."
જસ્ટિસ મુરલીધર જણાવે છે, "જરા કલ્પના કરી જુઓ... 30મી જાન્યુઆરી, 2025ના રોજ તેમણે ફરી વખત કહ્યું હતું, 'ગાઝા આતંકવાદીઓથી ખદબદે છે અને ત્યાં જન્મતું કોઈપણ બાળક જન્મથી જ આતંકવાદી છે.'"
"અન્ય રાજનેતાઓ અંગેના તેમના વિચારો પણ જાહેર જનતા માટે ઉપલબ્ધ છે, તમે ઇન્ટરનેટ પર તે જોઈ શકો શકો છો."
જસ્ટિસ મુરલીધરે બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું હતું, "ઇઝરાયલી સત્તાધિકારીઓએ અમારા અહેવાલનું ખંડન કરતો 18 પાનાંનો પત્ર તૈયાર કર્યો છે અને તે લોકોમાં વહેંચ્યો છે. તેમણે તે પત્ર અમને પાઠવ્યો નહોતો, પણ અમારા પર 'ભેદભાવ અને પૂર્વગ્રહ દાખવવાનો' આરોપ લગાવ્યો હતો."
જસ્ટિસ મુરલીધર જણાવે છે, "જો ઇઝરાયલ પાસે અમારા રિપોર્ટને ખોટો સાબિત કરતો કોઈપણ પુરાવો હોય, તો તેઓ હજુ પણ તે પુરાવા રજૂ કરી શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























