ટ્રમ્પે કહ્યું- 'હું ઈરાનનું ઑઇલ કબજામાં લેવા માગું છું', ઈરાન માટે ખાર્ગ ટાપુ કેટલો મહત્ત્વનો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફરઝાદ સૅફીકરન
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 6 મિનિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ "ઈરાનનું ઑઇલ પોતાના કબજામાં લેવા" માગે છે અને ખાર્ગ ટાપુ પર પણ નિયંત્રણ મેળવી શકે છે, આ એ ટાપુ છે, જેના પરથી ઈરાનનું મોટા ભાગનું ઑઇલ નિકાસ થાય છે.
ટ્રમ્પે ફાઇનાન્સિયલ ટાઇમ્સને આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે પાકિસ્તાન અને મધ્યપૂર્વના દેશો વચ્ચે ઈરાન યુદ્ધમાં યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જ્યારે હજારો અમેરિકન સૈનિકો સંભવિત જમીન આક્રમણની તૈયારી માટે મધ્યપૂર્વમાં પહોંચી ગયા છે.
જોકે, ટ્રમ્પે પાછળથી પત્રકારોને જણાવ્યું હતું કે ઈરાન સાથે "ખૂબ જ ટૂંક સમયમાં" સોદો થઈ શકે છે.
ફાઇનાન્સિયલ ટાઇમ્સે રવિવારે અમેરિકન રાષ્ટ્રપતિ સાથેનો એક ઇન્ટરવ્યૂ પ્રકાશિત કર્યો હતો. જેમાં ટ્રમ્પે કહ્યું હતું કે, "ઈમાનદારીથી કહું તો ઈરાનનું ઑઇલ લેવું એ મારી પસંદગીની ચીજ છે, પરંતુ અમેરિકામાં કેટલાક લોકો કહે છે કે તમે આવું કેમ કરો છો? પણ એ લોકો મૂરખ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ઈરાનના ઑઇલ પર તેમની નજર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, "એવું બની શકે કે અમે ખાર્ગ ટાપુ લઈ લઈએ, ન પણ લઈએ. અમારી પાસે ઘણા વિકલ્પ છે. તેનો અર્થ એ પણ થશે કે આપણે ત્યાં થોડા સમય માટે રહેવું પડશે."
જ્યારે તેમને ટાપુની સુરક્ષા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "મને નથી લાગતું કે તેમની પાસે કોઈ ખાસ સુરક્ષા છે. આપણે તેને ખૂબ જ સરળતાથી લઈ શકીએ છીએ."
ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું, એ પછી મધ્યપૂર્વ એશિયાની અનેક ઑઇલ રિફાઇનરીઓ તથા પેટ્રોલિયમ પેદાશોનો સંગ્રહ કરતા ટૅન્ક (ટાંકા) ઉપર હુમલા કરવામાં આવ્યા છે.
ઇઝરાયલની સેનાએ તહેરાનમાં રેય, શહરાન તથા અક્દસિયેહમાં ઑઇલ ભંડારો તથા કરજ શહેર ઉપર ફરદિસ ક્ષેત્રમાં હુમલા કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇઝરાયલની સેનાના કહેવા પ્રમાણે, ઈરાનની સરકાર, જે ઇંધણ ટૅન્કને 'સૈન્ય ડેપો બનાવવા માટે વાપરી રહી હતી' તેની ઉપર હુમલા કરવામાં આવ્યા હતા.
દરમિયાન ઈરાને પણ પર્શિયન ગલ્ફમાં અનેક દેશોની રિફાઇનરીઓ તથા તેમના તેલ ભંડારો ઉપર હુમલા કર્યા હતા.
ખાર્ગ દ્વીપ ઉપર હુમલા બાદ એવી વ્યાપકપણે ચર્ચા થઈ રહી છે કે અમેરિકા આ ટાપુ ઉપર કબજો કરી શકે છે. ખાર્ગ દ્વીપએ ઈરાનના સૌથી મોટા ઑઇલ ભંડારનું કેન્દ્ર છે તથા ઈરાન આ નાનકડા ટાપુ ઉપરથી તેના કુલ ઉત્પાદનનું 90 ટકા ક્રૂડઑઇલ નિકાસ કરે છે.
આ પહેલાં બ્રિટનની પ્રખ્યાત થિન્ક ટૅન્ક ચેથમ હાઉસમાં મધ્યપૂર્વના જાણકાર નેઇલ ક્વિલિયમે બીબીસીને જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ પણ અમેરિકન રાષ્ટ્રપતિએ આ ટાપુ પર હુમલો કરવાની હિંમત નહોતી કરી.
ઈરાનનો ખાર્ગ ટાપુ કેમ ચર્ચામાં?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગત વર્ષે જૂન મહિનામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયું હતું. જે 12 દિવસ ચાલ્યું હતું. એ સમયે ઇઝરાયલના સંભવિત લક્ષ્યાંકોમાં ખાર્ગ દ્વીપના નામની ચર્ચા થઈ હતી.
ઇઝરાયલના પૂર્વ મુખ્ય મંત્રી તથા મુખ્ય વિપક્ષના નેતા યાયર લૅપિડે તેહરાન તથા કરજના ઑઇલ ડેપો ઉપર હુમલાના એક દિવસ પછી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું હતું, "ઇઝરાયલે ખાર્ગ દ્વીપ ઉપર આવેલા ઈરાનના તમામ ઑઇલ ભંડારો તથા ઍનર્જી ઇન્ડસ્ટ્રીનો નાશ કરી દેવો જોઈએ. આ એવું પગલું હશે કે જે ઈરાનના અર્થતંત્રને તારાજ કરી દેશે અને સરકારનું પતન થશે."
ઇઝરાયલ દ્વારા ઈરાનના ઑઇલ ભંડારો ઉપર હુમલાના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સેનેટર લિંડસે ગ્રાહમે ઇઝરાયલને "પોતાના ટાર્ગેટ સાવચેતીપૂર્વક ચૂંટવા"નો આગ્રહ કર્યો હતો.
ઍક્સ પોસ્ટમાં તેમણે લખ્યું હતું, "આપણું ધ્યેય ઈરાનની જનતાને એવી રીતે સ્વતંત્ર કરવાનું છે કે જેથી સરકારના પતન પછી તેમને નવેસરથી સારું જીવન શરૂ કરવાની તક મળે. આ લક્ષ્યાંકને સાધવામાં ઈરાનની ઑઇલ ઇકૉનૉમી મહત્ત્વપૂર્ણ બની રહેશે."
સમાચાર વેબસાઇટ એક્સિયોસે સાતમી માર્ચે અમેરિકાના સરકારી અધિકારીઓને ટાંકતા કહ્યું હતું કે ખાર્ગ ટાપુ ઉપર કબજો કરવાની શક્યતા અંગે પણ ચર્ચા થઈ છે.
પૅન્ટાગોનના પૂર્વ વરિષ્ઠ સલાહકાર માઇકલ રુબિને તાજેતરમાં પૉલિટિકોને જણાવ્યું હતું કે તેમણે ટ્રમ્પ સરકારના અધિકારીઓ સાથે ખાર્ગ દ્વીપના મહત્ત્વ અને તેની ઉપર કબજો કરવા વિશે ચર્ચા કરી છે.
માઇક રુબિનનું માનવું છે, "જો ટ્રમ્પ મિસાઇલહુમલા અને બૉમ્બમારાથી આગળ વધીને ઈરાન ઉપર દબાણ વધારવા માંગતા હોય, તો ખાર્ગ દ્વીપ ઉપર કબજો કરીને ઈરાનની સરકારને એક મહત્ત્વપૂર્ણ નાણાકીય સંશાધનથી વંચિત કરી શકે છે."
ખાર્ગ ટાપુ અને ઑઇલના ભંડારો
ખાર્ગ એ કોરલ ટાપુ છે, જેનું ક્ષેત્રફળ 20 વર્ગ કિલોમીટર છે. તે ઈરાનની દક્ષિણપશ્ચિમે આવેલો દ્વીપ છે. તે દેશના બુશેહર પ્રાંતના ભાગરૂપ છે.
આ ટાપુ ઉપર ઑઇલ ફૅસિલિટીઝની આસપાસ હરણને હરતાં-ફરતાં જોઈ શકાય છે. આ ટાપુને હરણોનાં રહેણાક તથા પ્રજનન માટે અનુકૂળ માનવામાં આવે છે.
કેટલાંક વર્ષો પૂર્વે અહીં હરણોને લાવવામાં આવ્યા હતા. તાજેતરના કેટલાક રિપોર્ટો અનુસાર ખાર્ગ દ્વીપ ઉપર હરણોની સંખ્યા દ્વીપની ક્ષમતા કરતાં ઘણી વધી ગઈ છે.
આ નાનકડો ટાપુ ઈરાનની પેટ્રોલિયમ નિકાસો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અહીં ઑઇલ ઍક્સપૉર્ટનું મુખ્ય ટર્મિનલ આવેલું છે.
દેશની દક્ષિણે આવેલા ઑઇલ-સમૃદ્ધ વિસ્તારોથી નજીક હોવાને કારણે તથા દરિયાની સ્થિતિ સારી હોવાથી મોટા-મોટા ઑઇલ ટૅન્કરોને લાંગરવા માટે પૂરતું ઊંડાણ મળી રહે છે. જેથી તેને ક્રૂડઑઇલની નિકાસ તથા લૉડિંગ માટે યોગ્ય સ્થાન માનવામાં આવે છે.
ખાર્ગથી લગભગ 75 કિલોમીટર પશ્ચિમે અબૂઝર ખાતે ઈરાનનો સૌથી મોટો ઑફશોર ઑઇલ એરિયા આવેલો છે. પર્શિયન ગલ્ફમાં ઈરાનનું મોટાભાગનું ઑઇલ ઉત્પાદન અહીં જ થાય છે.
અબૂઝર તેલક્ષેત્રમાં ત્રણ મુખ્ય ઉત્પાદન પ્લૅટફૉર્મ છે. તે દરેકની ઉત્પાદનક્ષમતા દૈનિક 80 હજાર બૅરલની છે. અબૂઝર ઑઇલ રિફાઇનરી પણ ખાર્ગ દ્વીપ ઉપર જ આવેલી છે.
આથી ઈરાનના સૌથી મોટા ક્રૂડ ઑઇલ સંગ્રહ માટેનાં કેન્દ્રો ખાર્ગ દ્વીપ ઉપર આવેલાં છે.
ઈરાનની ઑઇલ ટર્મિનલ્સ કંપનીના જણાવ્યા પ્રમાણે, ક્રૂડ ઑઇલનો સંગ્ર કરવા માટે ખાર્ગ ટાપુ ઉપર 40થી વધુ ક્રૂડઑઇલનો સંગ્રહ કરતા ટૅન્ક આવેલા છે. જેની કુલ સંગ્રહક્ષમતા બે કરોડ બૅરલ કરતાં વધુ છે.

ઇમેજ સ્રોત, Gallo Images/Orbital Horizon/Copernicus Sentinel Data 2024
દક્ષિણ ઈરાનના ઑઇલ ક્ષેત્રોમાંથી જે ક્રૂડઑઇલ કાઢવામાં આવે છે, તેને દરિયાની નીચે પાથરવામાં આવેલી પાઇપલાઇનો મારફત આ ટૅન્કો સુધી પહોંચાડવામાં આવે છે.
ડિસેમ્બર-2023માં ઈરાન ઑઇલ ટર્મિનલ્સ કંપનીના સીઈઓ (ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર) અબ્બાસ ગરીબીએ ખાર્ગ દ્વીપ ઉપર ક્રૂડ ઑઇલની સંગ્રહક્ષમતામાં 20 લાખ બૅરલનો વધારો કરવાની જાહેરાત કરી હતી.
ખાર્ગ દ્વીપ ઉપર આવેલી આ ટૅન્કોનો ઉપયોગ નિકાસ પહેલાં કાચા તેલના માપ, ગુણવતાની તપાસ તથા અલગ-અલગ પ્રકારે ક્રૂડઑઇલનું વર્ગીકરણ કરવા માટે થાય છે.
ઈરાનના પરમાણુ કરાર પછી થોડો સમય માટે ઈરાનને ક્રૂડઑઇલનું ઉત્પાદન વધારવ તથા તેને વેચવા માટે મંજૂરી મળી હતી, ત્યારે ઈરાને પોતાના ઑઇલ સંગ્રહ માટેના ટાંકાની ક્ષમતા વધારવાનો નિર્ણય લીધો હતો.
જોકે, ખાર્ગ ટાપુ ઉપર જગ્યા ખૂબ જ મર્યાદિત છે અને સિઝન દરમિયાન તેની ઉપર તોફાનો પણ આવે છે. એટલે વર્ષ 2016માં બુશેહર પ્રાંતના ગનાવેહ શહેરથી 28 કિલોમીટર દૂર ઓમિદ ઑઇલ સંગ્રહ યોજના શરૂ કરવામાં આવી, જેની ક્ષમતા લગભગ એક કરોડ બૅરલ છે. આ ઑઇલ ટૅન્ક પરિસરએ ખાનગીક્ષેત્રનું સૌથી મોટું ક્રૂડઑઇલ સંગ્રહ એકમ છે.
ખાર્ગ ઉપર બંદર તથા અન્ય સવલતો

ઇમેજ સ્રોત, Getty Images
ખાર્ગ ટાપુ ઉપર પૂર્વ અને પશ્ચિમ એમ બે તટ છે. વર્ષ 1955માં ઑઇલ કંપનીઓના સમૂહ વચ્ચે કરાર પછી ખાર્ગ ખાતે લૉડિંગ ડૉક તથા ક્રૂડ ઑઇલનો સંગ્રહ કરવા માટે ટાંકા બનાવવા માટેની કામગીરી શરૂ થઈ.
ખાર્ગ ટાપુનો પૂર્વ કિનારો અંગ્રેજી મૂળાક્ષર 'T' આકારનો છે. ત્યાં બે લાખ 75 હજાર ટનની ક્ષમતાવાળા છ ટૅન્કર ઊભા રહી શકે છે. જ્યારે પશ્ચિમના ભાગે ચાર બર્થ છે. જ્યાં પાંચ લાખ ટનની ક્ષમતા ધરાવતા ઑઇલ ટૅન્કર લૉડ થાય છે.
ખાર્ગ દ્વીપ ઉપર ક્રૂડઑઇલની ગુણવત્તા ચકાસવા માટે ISO/IEC 17025 માપદંડથી પ્રમાણિત રાસાયણકિ પ્રયોગશાળા છે. જેની ગણના આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રયોગશાળાઓમાં થાય છે.
પેટ્રોકેમિકલ ઉદ્યોગ
ખાર્ગ પેટ્રોકેમિકલ કંપની પણ આ ટાપુ ઉપર કાર્યરત છે. તેનો હેતુ ઑઇલ ઉત્પાદન દરમિયાન જે ગૅસ નીકળે, તેને સળગાવી દેવાના બદલે તેમાંથી મેથેનૉલ, સલ્ફર, પ્રોપેન, બ્યૂટેન તથા નૅપ્થા જેવા ઉપયોગી ઉત્પાદનો બનાવવાનો છે.
આ ટાપુ ઉપર આઠ હજાર કરતાં વધુ લોકોની વસતિ રહે છે. ઇસ્લામિક રિપબ્લિક યુનિવર્સિટીની દરિયાઈ વિજ્ઞાન તથા કળાની શાખા પણ અહીં કાર્યરત્ છે. અહીં પેટ્રોલિયમ તથા સમુદ્રનો અભ્યાસ જેવા વિષયો મુખ્યત્વે ભણાવવામાં આવે છે.
ઈરાન-ઇરાક યુદ્ધ દરમિયાન ઈરાનનું 90 ટકાથી પણ વધુ ક્રૂડઑઇલ આ દ્વીપ પરથી નિકાસ થતું હતું, જેથી ઇરાકે આ નાનકડા ટાપુ ઉપર 2,800 કરતાં વધુ વખત હુમલા કર્યા હતા. એ સમયે ચર્ચિત 'ટૅન્કર યુદ્ધ' પણ આ ટાપુની આસપાસ લડાયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

































