તમારી ખરાબ આદતો તમારા મોબાઇલ ચાર્જિંગ કૅબલનું આયુષ્ય ઘટાડી રહી છે?

ઇમેજ સ્રોત, Serenity Strull/ BBC/ Getty Images
- લેેખક, થોમસ જર્મેન
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
જ્યાં સુધી મોબાઇલનો ચાર્જિંગ કૅબલ તૂટી ન જાય અને તમે લો બૅટરીની સમસ્યામાં ન પડો, ત્યાં સુધી ચાર્જિંગ કૅબલ્સ તમારા જીવનની સૌથી ઉપેક્ષિત ટૅક્નૉલૉજી રહેતી હોય છે. તેના વારંવાર નિષ્ફળ જવાનું કારણ તમે સ્વયં છો. તેની વધુ સારી રીતે સંભાળ કેવી રીતે લેવી, તે વિશે અહીં જાણીએ.
માઇકલ પેચ ચાર્જિંગ કૅબલ્સ પર પ્રયોગો કરે છે. ગૅજેટ્સ તૂટી કેમ જાય છે, એ જાણવા માટે ટેક કંપનીઓ તે ગૅજેટ્સને જ્યાં મોકલે છે, તે લૅબોરેટરી - યુનિવર્સિટી ઑફ મેરિલૅન્ડસ્થિત સેન્ટર ફૉર ઍડવાન્સ્ડ લાઇફ સાઇકલ એન્જિનિયરિંગના તેઓ સ્થાપક છે. પેચ મને કહે છે, "અમે ઇલેક્ટ્રોનિક્સ માટેના શબઘર જેવા છીએ."
તેમની ટીમે યુએસબી કૅબલ્સને કચડવા, ખેંચવા, અતિશય પ્લગ કરવા સહિત તેના પર ભારે ત્રાસ ગુજાર્યો છે. આટલું પૂરતું ન હોય તેમ, નુકસાનનો અભ્યાસ કરવા માટે તેઓ તૂટેલા કૅબલ્સને એક્સ-રે હેઠળ મૂકે છે.
મેં એક સાદો સવાલ પૂછવા માટે પેચને ફોન કર્યોઃ ચાર્જિંગ કૅબલને લપેટવાની સાચી રીત કઈ છે? મારા સમગ્ર જીવનકાળમાં હું માનતો હતો કે, કૅબલ્સને ઢીલા ગોળાકારમાં લપેટવા જોઈએ, એકદમ ટાઇટ નહીં! - કારણ કે વધુ પડતા ખેંચાવાથી કે ગૂંચવાઈ જવાથી વાયર બગડી શકે છે.

ઇમેજ સ્રોત, Serenity Strull/ BBC/ Getty Images
હું જેમને જાણું છું, તેવા લોકોમાં આવી જ સામાન્ય માન્યતા પ્રવર્તે છે, આથી મને કૅબલ લપેટવાની મારી પદ્ધતિનું સમર્થન કરતું જ્ઞાન સાંભળવા મળશે, એવી અપેક્ષા હતી. પણ મને જાણવા મળ્યું કે હું અને કદાચ મારા જેવા અન્ય લાખો લોકો પણ પોતાનો સમય બરબાદ કરી રહ્યા છે.
પેચ કહે છે, "તેનાથી કશો ફરક નથી પડતો. અમે કેટલીક મોટી કમ્પ્યુટર કંપનીઓ માટે કામ કર્યું છે, પણ અમે કૅબલને ખોટી રીતે વાળવાથી કદી કોઈ નુકસાન થતું જોયું નથી. "
આ વાત મારા ગળે ઊતરવી મુશ્કેલ હોવાથી મેં અન્ય નિષ્ણાતોનો સંપર્ક સાધ્યો, પણ તે તમામે મને એ જ વાત કહીઃ તમે તમારા ચાર્જિગ કૅબલ્સને ગમે તે રીતે વાળો. જોકે, અન્ય કેટલીક ખરાબ આદતો મારા કૅબલ્સનું આયુષ્ય ટૂંકું કરી રહી હતી. એવી ચીજો, જે હું દાયકાઓથી કરી રહ્યો હતો. બિચારા મારા વાયરો!
પણ સારા સમાચાર એ છે કે, મેં જે જાણ્યું, તે હું તમને જણાવવાનો છું, જેથી તમે મેં કરેલી ભૂલનું પુનરાવર્તન ન કરો. આપણા કૅબલ આપણા માટે ઘણી મહેનત કરતા હોય છે, પણ જ્યાં સુધી તે કામ કરવાનું બંધ ન કરે અને આપણી પાસે ડિવાઇસને ચાર્જ કરવાનો કોઈ માર્ગ ન રહે, ત્યાં સુધી આપણને તેની જાણ થતી નથી. શું તેઓ થોડા-ઘણા આદરને પાત્ર નથી? જો તમે સંમત ન હો, તો જાણી લો કે, કૅબલની કાળજી લેવી તમારા ખિસ્સાં માટે અને પર્યાવરણ માટે પણ ઉત્તમ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચાર્જિંગ કૅબલને સાચવવાની સાચી રીત કઈ?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"દુનિયામાં બે પ્રકારના લોકો હોય છેઃ એવા લોકો જે કૅબલનો નાશ કરે છે અને બીજા એવા લોકો, જે કૅબલનો નાશ નથી કરતા," એમ લોકોને તેમનાં પોતાનાં ઇલેક્ટ્રોનિક્સનું સમારકામ કરવામાં મદદ કરતી સસ્ટેઇનેબિલિટી અને ગ્રાહક અધિકાર કંપની આઇફિક્સિટના સહ-સ્થાપક કાઇલ વેઇન્સે જણાવ્યું હતું.
ભારે પીડા સાથે હું કબૂલાત કરું છું કે, હું તોડફોડ કરનારા જૂથમાં સામેલ છું. "કૅબલ તૂટે, ત્યારે મોટા ભાગે કૅબલ પ્લગ સાથે જ્યાં જોડાતો હોય, તે ભાગમાં જ નુકસાન થતું હોય છે."
સંરચનાનો પાઠ ભણવા માટે તૈયાર છો?
તમારા કૅબલ્સમાં ઇન્સ્યુલેશનથી વિંટળાયેલા ધાતુના નાના-નાના વાયરો ભરેલા હોય છે. સાવ છેડે તે એક કનેક્ટરમાં જોડાયેલાં હોય છે અને તેના પછી પ્લગ આવેલો હોય છે. આ સાંધામાં જ ગરબડ થતી હોય છે.
તેના વિશે વિચારશો, તો સમજી જશો. તમે કૅબલનો ઉપયોગ કરી રહ્યા હો, ત્યારે કનેક્ટર ઍન્કર (લંગર)ની માફક કામ કરે છે અને બધા જ વળાંકો વાયરના છેડે આવતા હોય છે. એક પેપર ક્લિપની કલ્પના કરો. તેને એક જ જગ્યાએથી વારંવાર વાળી જુઓ. તે તૂટી જશે.
અમેરિકાની વોર્સેસ્ટર પૉલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ખાતે મિકેનિકલ ઍન્ડ મટીરિયલ્સ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વડા રૉબર્ટ હાયર્સ જણાવે છે, "માઇક્રોસ્કોપિક સ્તર પર લવચિકતાની મર્યાદા વટાવીને વાળવામાં આવતાં અણુઓ વચ્ચેના બંધન તૂટી જાય છે અને સ્થિતિ બદલાતાં ફરી જોડાય છે.''
''તેના કારણે ખામીઓનો સંચય થાય છે, જે ડિસલોકેશન તરીકે ઓળખાય છે, જ્યાં પરમાણુ હરોળબંધ નથી હોતા." વધુ પડતાં ડિસલોકેશન્સ ધાતુને સખ્ત બનાવે છે અને પછી તે તૂટી જાય છે. આમ, તમારી પેપર ક્લિપ બગડી જાય છે. કૅબલની અંદર રહેલા ધાતુના વાયરો પણ આવી જ રીતે કામ કરે છે.''

ઇમેજ સ્રોત, Getty Images
આશા છે કે, તે અણુઓ પર દયા આવતાં તમે આ પૈકીની કેટલીક સામાન્ય સમસ્યાઓ ટાળશો. પેચ કહે છે, "એક વસ્તુ ઘણાં લોકો કરતાં હોય છે અને હું પણ કરતો હોઉં છું (જ્યારે મને આળસ આવે છે): કૅબલને અનપ્લગ કરવા માટે તેને લાંબા ભાગેથી ખેંચવો. તેના લીધે વધારાનું દબાણ સર્જાય છે. જો તમે કનેક્ટર પકડીને ખેંચ્યું હોત, તો તે દબાણ ન સર્જાત."
હાયર્સ જણાવે છે કે, અતિશય ટૂંકા કૅબલ્સને લીધે પણ મુશ્કેલી સર્જાય છે. જો તમે કૅબલને સોકેટ સુધી પહોંચાડવા માટે તેને ખેંચી રહ્યા હોવ, તો તમે તેને નુકસાન પહોંચાડી રહ્યા છો. અથવા તો, જો તમે પથારીમાં (કે બીજે ક્યાંય) સૂતા હોવ અને ફોન પ્લગ કરેલો હોય અને તેને વાપરવા માટે તમે કનેક્ટરને ખૂણેથી ખેંચી રહ્યા હો, તો પણ તમે મુસીબત નોતરી રહ્યા છો.
વેઇન્સ જણાવે છે, "બીજી એક વસ્તુ આપણે જોઈએ છીએ કે, લોકો તેમનો ફોન પ્લગ કરે છે અને પછી તેને ટેકો આપવા માટે કારના કપ હોલ્ડરમાં મૂકે છે. આમ કરવાથી ફોન કૅબલની ઉપર રહે છે અને ફોનનું સઘળું વજન તથા કાર ચલાવતી વખતે આવતા ઉછાળાનું દબાણ બરાબર તે જ પોઇન્ટ ઉપર આવે છે. આવું ન કરશો."
મુખ્ય વાત એ છે કે, લાંબા અને ભારે કૅબલ્સને કેવી રીતે વાળવામાં આવે છે, તે ઘણું મહત્ત્વનું છે. ફિલ્મ કે ઓડિયો ક્ષેત્રે કામ કરનારા કોઈ પણ વ્યક્તિને પૂછો, તો તેઓ તમને "ઓવર-અન્ડર" કૅબલ રેપિંગ ટેકનિક વિશે જણાવશે, પરંતુ વેઇન્સ અને અન્ય લોકો મને જણાવે છે કે, તે નિયમો તમારા પાતળા લવચિક ચાર્જિંગ કૅબલ્સને લાગુ પડતા નથી.
ચાર્જિંગ કૅબલ લાંબા સમય સુધી કેવી રીતે ટકે છે?
વેઇન્સ જણાવે છે કે, કૅબલ્સને એકદમ ચુસ્ત રીતે વાળવા યોગ્ય નથી. પણ જો તમે તેને કોઈ વિચિત્ર ખૂણેથી વાળતા નથી કે વાળતી વખતે કનેક્ટરને ખેંચતા નથી, તો ખોટી રીતે લપેટવાથી સમસ્યા સર્જાવાની શક્યતા ઘણી ઓછી છે. બધી વાત કનેક્ટરના દુરુપયોગ પર આવીને અટકે છે.
"કૅબલના તે ભાગને આદરપૂર્વક સાચવશો, તો તેનું આયુષ્ય વધી જશે," એમ હાયર્સે જણાવ્યું હતું.
પણ એ ત્યારે શક્ય છે, જ્યારે કૅબલ સારી ગુણવત્તાનો હોય. મેં જેટલા પણ લોકો સાથે વાત કરી, તે સૌએ જણાવ્યું કે, સમસ્યાનું મોટું કારણ સસ્તા અને નબળી ગુણવત્તાના કૅબલ છે. પેટ્રોલ પમ્પ ઉપર મળતા સસ્તા કૅબલોથી દૂર રહેવું જ સારું છે. મજબૂત કૅબલમાં રોકાણ કરવાથી તમારે તેને બદલવા પાછળ ઓછો ખર્ચ કરવો પડશે.
બ્રેઇડેડ (ગૂંથેલા) કૅબલ્સ સારો વિકલ્પ છે, જેમાં વાયર ઉપર પ્લાસ્ટિકના બદલે કાપડ કે નાયલોનની જાળી હોય છે. વેઇન્સ કહે છે, "તે એક સારો નિયમ છે. ઍપલે સુધ્ધાં તેનાં તાજેતરનાં મૉડલ્સમાં આવા ગૂંથેલા (બ્રેઇડેડ) કૅબલ્સનો ઉપયોગ કર્યો છે, કારણ કે ગૂંથેલા કૅબલની મજબૂતાઈ અને સુરક્ષા તેનું સારી રીતે રક્ષણ કરે છે."
દેખીતી રીતે, આ બધી નાની બાબતો લાગે છે. કૅબલ તમારા જીવનની કદાચ સૌથી ઓછી આકર્ષક ટૅક્નૉલૉજી છે. તેના અસ્તિત્વનો હેતુ કામ કરવાનો છે. અને જો તે કામ કરે, તો તેની ઉપેક્ષા થઈ શકે છે.
પણ જો તેની ખોટી રીતે ઉપેક્ષા કરવામાં આવે, તો તે ધીમે-ધીમે, એક પછી એક સૂક્ષ્મ તિરાડ સાથે તમારા માટે મુસીબત નોતરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































